એક માણસ હતો. બહુ જ સ્વાર્થી, ફક્ત પોતાનો જ વિચાર કરે.
તેના જીવનમાં એકવાર પ્રણયનો પ્રસંગ બન્યો. જીવનમાં પ્રથમવાર તેણે પોતાનો સ્વાર્થ
છોડી બીજાના માટે કઈક કરવાનો વિચાર કર્યો. તેણે તેના પ્રિયપાત્રની માટે બહુ બધુ
કર્યું, ત્યારબાદ બન્યું એવું કે એ વ્યક્તિ તે માણસને છોડીને જતી રહી. ઘણા એવા લોકો હોય છે જે સંબંધ ખરાબ થયા પછી નવા સબંધો
બાંધવાનું ટાળે છે. એક ડર અને એક માન્યતા તેમના મનમાં ઘર કરી જાય છે કે "બધા
એક સરખા જ હોય છે."
એ પછી તે
માણસ પોતાને હિમ્મત આપવા લાગ્યો. પોતે સ્ટ્રોંગ છે એમ સમજવા લાગ્યો. કોઈકના દ્વારા
તરછોડાયા બાદ તેના મનમાં ઇચ્છાઓ,લાગણીઓ અને માન્યતાઓ વચ્ચે સંઘર્ષો ચાલ્યા. આ સંઘર્ષોએ તેને
કઠોર બનાવી દીધો. આવા ઘણા-બધા માણસો મારી અને તમારી વચ્ચે આસપાસ રહે છે અને આવા
અનેક કિસ્સાઓ આ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. આ લોકો- આ માણસોને મારે એક પ્રશ્ન
પુછવો છે કે તમે જેને ચાહીને પામી ન શકયા તેમ છતા જીવી રહ્યા છો માટે તમે સ્ટ્રોંગ
છો? કે તમે તમારી લાગણીઓનુ ગળુ દાબી ખુશીથી જીવવાનો પ્રયત્ન કર્યો છે માટે
સ્ટ્રોગ છો?
એક અઘરો પ્રશ્ન
એ પણ હોય છે દરેક વ્યક્તિ માટે કે આપણા કોણ? અને
આપણા જેવા કોણ? તાર્કિક રીતે જોઈએ તો ભેદ તરત પરખાઈ જાઈ પરંતુ લાગણીમાં
માણસ હરખાઈ જાય ત્યારબાદ અપેક્ષાઓ સંકોચાઇ જાય, નિરાશાઓ
મન પર ભરખાઇ જાય અને પછી વ્યક્તિની કોમળતા સંકોચાઇ જાય છે અને આવું ચાલતું આવ્યું
છે. માન્યુ કે વિરહની વેદના સહન કરવી અઘરી હોય છે, હ્રદય
પરના એ ઘા રૂજાતા વાર લાગે છે, એ મટતા વાર લાગે છે પરંતુ અર્થ એનો એ નથી કે તેવા ઘા
વારંવાર લાગશે. આ તો પ્રણયની વાત છે, આત્મબળની વાત
છે. બધામાં એટલું જિગર નથી હોતું કે બીજી તક સબંધોને આપે. કોઈ ગેરંટી-વોરંટી નથી
કે તમારો સબંધ ટકશે કે નહીં. રિસ્ક તો છે અને બધામાં આ રિસ્ક ઉપડવાનું સામર્થ્ય
હોતું નથી.
પ્રણયની
આ ચંચળતા, પ્રત્યાઘાતને કેટલાક લોકો ભૂતકાળ માની ભૂલી જવાનો ડોળ કરતા
હોય છે પરંતુ ભૂલી શકતા નથી. આનું પરિણામ છેવટે એ આવે છે કે માણસ વ્યવહારુ જીવનની
જવાબદારીઓ સ્વીકારી એક યંત્રમાનવ (robot) બની જાય છે. લાગણીહીન,
વિચારહીન, રૂઢિવાદી અને ડરપોક(પરિવાર અને સમાજનો ડર). કાં તો સંસારી
જીવનની અવગણના કરે છે. સાધુ બાવા બની જાય એમ નહીં પરંતુ લગ્ન જેવા સબંધોની અવગણના
કરે છે.
એક વસ્તુ
સમજી લો કે એકલતા ઘડપણનું ધીમું ઝેર છે. જે વ્યક્તિને નિરર્થકતા અને
બિનજરૂરિયાતપણાનો અનુભવ કરાવે છે. હા માન્યું કે ઘડપણમાં વ્યક્તિનો સ્વભાવ ચિડિયો
થઈ જાઈ છે પણ એના પણ કેટલાક કારણો હોય છે. ઘડપણમાં માણસે આરામ સિવાય કોઈ કામ
કરવાનું હોતુ નથી ઘરના અન્ય સભ્યો રોજિંદા વ્યવહારોમાં વ્યસ્ત હોય છે ઘર અને
નોકરી-ધંધામાં વ્યસ્ત હોય. આ સમયમાં વૃદ્ધ વ્યક્તિ ઘરમાં એક સો-પીસ બનીને રહી જાય
છે. એને કોઈકની સાથે વાત કરવી છે, ઘરના તેમ જ અન્ય નિર્ણયોમાં તેને પોતાનો અભિપ્રાય આપવો હોય
છે માટે દરેક નાની વાતમાં પોતાનો અભિપ્રાય આપવાની ઉત્કંઠા સ્વાભાવિક રીતે જન્મે
છે. ઘડપણમાં માણસ અંદર ને અંદર રિબાયા કરતું હોય છે, ગમે
તેવો કજિયો-કંકાસ થયો હોય. ઘરના સભ્યો સાથે અબોલા થયા હોય. વ્યક્તિને સતત તેમની
ચિંતા થયા કરતી હોય છે. માનસિક અને શારીરિક તકલીફો વ્યક્તિને અસમર્થ બનાવી દે છે.
આવા
સમયમાં જ્યારે પોતાની જીવનસંગિની તેની તબિયત પૂછી લે અથવા "તમે જમ્યા કે નહીં?",
"દવા લીધી?" ધ્રૂજતા હાથે એક ગ્લાસ પાણી આપી દે અથવા માથે મલમ લગાડી દે
તો પણ માણસને પોતાનું જીવન સાર્થક લાગે છે. આ સમયે માણસને પોતાના અસ્તિત્વનો ૧૦૦ એ
૧૦૦ ટકા અનુભવ થાય છે. તેને લાગે છે કે તેનું કોઈક છે, કોઈકને
તેની ચિંતા થાય છે. ગમે તેટલી માલ-મિલકત કે રૂપિયા હશે પણ જો આવું કોઈ પૂછવાવાળુ
નહીં હોય તો શું કરશો કરોડોની મિલકતનું? બધુ મૂકીને તો
અહિયાં જ જવાનું છે. ઘડપણમાં એકલતા વ્યક્તિને કોરી ખાય છે. આ એકલતાને દૂર તમારી
જીવનસાથી કરી શકે છે. તમારી જીવનસાથી એ જ તમારો સાચો હમસફર છે. રિસ્ક તો છે બોસ
પ્રેમમાં! સંબંધો લાંબા ટકશે કે કેમ? પણ આંખો
ખુલ્લી રાખીને તપતા રહેવું એની કરતા આંખો બંધ રાખી ટાઢક મેળવી લૂંટાઈ જવામાં પણ
મજા છે. આ મજા મેળવવા માટે પણ સામર્થ્ય હોવું જરૂરી છે તો પૂછો પોતાને "તપવું
છે કે ટાઢા પડવું છે?"
એકવાર એક
માણસ પર્વત ચઢવા ગયો. તેની પાસે એક મોટું બેગ હતુ. તેમાં પર્વત ચઢતી વખતે જરૂરી
એવા સાધનો હતા. તેણે પર્વત ચઢવાનું શરૂ કર્યું. રસ્તામાં તેને કેટલાક જરૂરી સાધનો
મળ્યા જે તેને ઉપયોગી થઈ શકે તેમ હતા પરંતુ તેને એમ હતુ કે આ વસ્તુની મારે કોઈ
જરૂર છે નહીં, મારી બેગમાં બધુ છે. તેને બીજી ઘણીવાર રસ્તામાં આવા ઉપયોગી
સાધનો મળ્યા પરંતુ પોતાની પાસે છે જ એમ સમજી તે આગળ વધતો ગયો. પછી જ્યારે એ માણસને
તે સાધનની જરૂર પડી એટલે તેણે એનું બેગ કાઢ્યું અને તેમાં એણે જોયું કે બેગમાં
ફક્ત કાંકરા-પત્થર ભર્યા હતા. આપણે પણ એવું કરતા હોઈએ છે. કેટલાક લોકો બેગમાં
પત્થર બની આપણા જીવનરૂપિ પર્વતના રસ્તામાં સાથે આવતા હોય છે, જે જરૂર
પડવા પર કામમાં આવવાના નથી. આ પથ્થરો-કાંકરાઓને દૂર કરો અને રસ્તામાં મળતી તકોને
અપનાવી લો.
- કિર્તી કોરડિયા

Comments
Post a Comment